અમદાવાદના એક્સપ્રેસ હાઇવે પર CTM ટોલનાકા નજીક સુરત અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત ટીમે મોટી કાર્યવાહી કરીને રૂ. 25.5 કરોડની કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. રામોલ પોલીસ સ્ટેશનની હદમાં હાથ ધરાયેલા આ ઓપરેશનમાં આશરે 4.53 કિલો હેરોઇન અને 2.49 કિલો MD ડ્રગ્સ મળી કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
પકડાયેલા આરોપીઓમાં નવી દિલ્હીના તિફેલ નોખેજ (44), મેરઠના મોહમ્મદ ઇમરાન અલ્વી (38) અને નવી દિલ્હીના કફીલ અહેમદ (59)નો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ અગાઉ પણ ડ્રગ્સની હેરાફેરી સહિતના વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા હોવાનો રેકોર્ડ ધરાવે છે.
પોલીસે આરોપીઓ પાસેથી 2,497.490 ગ્રામ MD (મેફેડ્રોન) અને 4,531.220 ગ્રામ હેરોઇન જપ્ત કર્યું છે. જપ્ત કરાયેલા ડ્રગ્સની કુલ કિંમત અંદાજે રૂ. 25.5 કરોડ હોવાનું જાણવા મળ્યું છે.
સુરત અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત કાર્યવાહીથી આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્ક સામે મોટી સફળતા મળી છે. હાલ આ કેસમાં ડ્રગ્સના સ્ત્રોત, તેની હેરાફેરીમાં સંડોવાયેલા અન્ય લોકો અને નેટવર્કની કડીઓ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.










