કમ્પાઉન્ડર અને મેડિકલ સ્ટોરમાં કામ કર્યાના અનુભવના આધારે ચલાવતા હતા ક્લિનિક; કેટલાક 10 વર્ષથી લાયકાત વિના દર્દીઓની સારવાર કરતા હોવાનો ખુલાસો
રાજકોટ ગ્રામ્ય પોલીસે તબીબી લાયકાત કે માન્ય ડિગ્રી વિના ક્લિનિક ચલાવી દર્દીઓની સારવાર કરતા 17 બોગસ તબીબોને ઝડપી પાડ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે, ઝડપાયેલા આરોપીઓમાંથી 14 માત્ર ધોરણ 10 અને 12 પાસ છે, જ્યારે અન્ય ત્રણ ગ્રેજ્યુએટ છે.
પોલીસ તપાસ મુજબ, આરોપીઓ અગાઉ ડૉક્ટરોના સહાયક તરીકે અથવા મેડિકલ સ્ટોરમાં કામ કરી ચૂક્યા હતા. આ અનુભવના આધારે તેમણે પોતાના ક્લિનિક શરૂ કરી દીધા હતા. તેઓ સામાન્ય બીમારીઓની સારવાર માટે એલોપેથિક અને હોમિયોપેથિક દવાઓનો ઉપયોગ કરવાની સાથે દર્દીઓને ઇન્જેક્શન પણ આપતા હોવાની વિગતો સામે આવી છે.
કેટલાક લાંબા સમયથી કરતા હતા પ્રેક્ટિસ
ઝડપાયેલા આરોપીઓમાંથી કેટલાક છેલ્લા બે-ત્રણ મહિનાથી આ પ્રવૃત્તિમાં જોડાયા હતા, જ્યારે કેટલાક 10 વર્ષથી વધુ સમયથી તબીબી લાયકાત વિના દર્દીઓની સારવાર કરતા હોવાનો ખુલાસો થયો છે. પોલીસની વિશેષ ડ્રાઇવ દરમિયાન કેટલાક બોગસ તબીબો ક્લિનિક બંધ કરીને સ્થળ પરથી નાસી છૂટ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.
જિલ્લામાં કાર્યવાહી ચાલુ રહેશે
રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા જિલ્લામાં બોગસ તબીબોને શોધી કાઢવા માટે વિશેષ ડ્રાઇવ ચાલુ રાખવામાં આવશે. હાલ ઝડપાયેલા 17 આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.










