પ્લેટફોર્મ 9થી 12 માટે ટ્રેક, OHE અને સિગ્નલ સિસ્ટમની તપાસ શરૂ; 27 ઑક્ટોબરે CRSનું નિરીક્ષણ
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કારણે બંધ કરાયેલા પ્લેટફોર્મ નંબર 9થી 12 દિવાળી પહેલાં શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે. આ ચારેય પ્લેટફોર્મ શરૂ થતાં તહેવારો દરમિયાન મુસાફરોની વધતી ભીડને નિયંત્રિત કરવામાં મદદ મળશે. પ્લેટફોર્મ શરૂ કરતાં પહેલાં રેલવે દ્વારા ટ્રેક, ઓવરહેડ ઇલેક્ટ્રિફિકેશન (OHE) અને સિગ્નલ સિસ્ટમની તપાસ શરૂ કરવામાં આવી છે. 27 ઑક્ટોબરે કમિશનર ઑફ રેલવે સેફ્ટી (CRS) દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે. ત્યારબાદ જરૂરી મંજૂરી મળતાં પ્લેટફોર્મ શરૂ થઈ શકશે.
ટેક્નિકલ કારણોસર કામગીરીમાં થયો વિલંબ
સ્ટેશનના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ પ્લેટફોર્મ 9થી 12ને ફરી શરૂ કરવાની કામગીરી લાંબા સમયથી ચાલી રહી છે. અગાઉ એપ્રિલમાં પ્લેટફોર્મ શરૂ કરવાની જાહેરાત કરાઈ હતી, ત્યારબાદ સમયમર્યાદા ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી હતી. જોકે, ટેક્નિકલ કારણોસર વિલંબ થતાં હવે દિવાળી પહેલાં ચારેય પ્લેટફોર્મ શરૂ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
પ્લેટફોર્મ 9નો બ્લોક દૂર કરાશે
પ્લેટફોર્મ નંબર 9 પરનો બ્લોક દૂર કરવાની કામગીરી કરવામાં આવશે. જ્યારે પ્લેટફોર્મ 10, 11 અને 12ને મીટરગેજમાંથી બ્રોડગેજમાં રૂપાંતરિત કરવામાં આવ્યાં હોવાથી ટ્રેન વ્યવહાર શરૂ કરતાં પહેલાં CRSનું નિરીક્ષણ જરૂરી છે. ટ્રેક, OHE અને સિગ્નલ સિસ્ટમની યોગ્યતા ચકાસ્યા બાદ મંજૂરી મળતાં પ્લેટફોર્મ શરૂ કરવાનો માર્ગ મોકળો થશે.
ચાર પ્લેટફોર્મ શરૂ થયા બાદ 4થી 7 પર કામ શરૂ થશે
પ્લેટફોર્મ 9થી 12 શરૂ થયા બાદ રેલવે દ્વારા પ્લેટફોર્મ નંબર 4થી 7 પર બ્લોક લઈને રિડેવલપમેન્ટની મુખ્ય કામગીરી હાથ ધરવામાં આવશે. નવા પ્લેટફોર્મ કાર્યરત થતાં ટ્રેનોનું સંચાલન વ્યવસ્થિત રીતે કરીને સ્ટેશનના બાકીના ભાગમાં પુનર્વિકાસની કામગીરી તબક્કાવાર આગળ વધારી શકાશે. દિવાળીના તહેવારો દરમિયાન મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખતાં ચારેય પ્લેટફોર્મ શરૂ થવાથી ટ્રેન વ્યવસ્થાપનમાં રાહત મળવાની અપેક્ષા છે.










