ત્રણ ક્વોટેશનની પદ્ધતિમાં ફેરફાર, રૂ. 50 હજારથી વધુનાં કામો ખાસ મરામત ગણાશે
રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા પોલીસ વિભાગનાં રહેણાંક અને બિનરહેણાંક મકાનોમાં ચાલુ તથા ખાસ મરામતનાં કામો માટે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જાહેર કરવામાં આવી છે. મરામતનાં કામોમાં વહીવટી સરળતા લાવવા, પારદર્શિતા વધારવા અને ગેરરીતિની શક્યતાઓ ઘટાડવા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન ચાલુ મરામત ગ્રાન્ટ હેઠળ થયેલાં કામોની સમીક્ષામાં જાણવા મળ્યું હતું કે, કુલ 4,789 કામો પાછળ આશરે રૂ. 19 કરોડનો ખર્ચ થયો હતો. તેમાંથી 4,119 કામો એટલે કે આશરે 86 ટકા કામો રૂ. 17.48 કરોડના ખર્ચ સાથે માત્ર ત્રણ ક્વોટેશન મેળવીને કરવામાં આવ્યાં હતાં. આ પદ્ધતિમાં મંજૂરી મેળવવામાં સમય લાગતો હોવાની સાથે વહીવટી મુશ્કેલીઓ અને ગેરરીતિ અંગેના આક્ષેપો પણ સામે આવ્યા હતા.
નવી SOP મુજબ હવે મરામતનાં કામો માટે ત્રણ ક્વોટેશન મેળવવાની પદ્ધતિને બદલે જરૂરી ચીજવસ્તુઓનાં ત્રણ ક્વોટેશન મેળવી સામગ્રીનો પૂરતો જથ્થો કચેરીમાં સ્ટોક તરીકે રાખવાનો રહેશે. સિવિલ અને ઇલેક્ટ્રિકલ કામ માટે ખરીદવામાં આવતી સામગ્રીનો નિયત નમૂના મુજબ સ્ટોક રજિસ્ટર અને ઇશ્યૂ રજિસ્ટર જાળવવું ફરજિયાત રહેશે.
સામગ્રીના હિસાબમાં પારદર્શિતા જળવાય તે માટે દર મહિનાની પાંચમી તારીખ સુધીમાં વર્ગ-1 અથવા વર્ગ-2ના અધિકારીએ સ્ટોકની ભૌતિક ચકાસણી કરીને પ્રમાણપત્ર આપવાનું રહેશે. જ્યારે કચેરીના વડાએ દર ત્રણ મહિને જાન્યુઆરી, એપ્રિલ, જુલાઈ અને ઓક્ટોબરની 10મી તારીખ સુધીમાં જાતે સ્ટોકની ચકાસણી કરવાની રહેશે.
મરામતનાં કામો માટે શ્રમ અને રોજગાર વિભાગના નિર્ધારિત દૈનિક વેતન મુજબ અર્ધકુશળ શ્રમિકોની મદદ લેવાની રહેશે. જો કોઈ મોટું કામ માત્ર સામગ્રીની ખરીદીથી પૂર્ણ થઈ શકે તેમ ન હોય અને કામ માટે ત્રણ ક્વોટેશન મેળવવાની જરૂર પડે, તો કામ શરૂ કરતાં પહેલાં સક્ષમ ઉપરી અધિકારી એટલે કે પોલીસ કમિશનર અથવા રેન્જ વડાની લેખિત પૂર્વમંજૂરી લેવી ફરજિયાત રહેશે.
નવી જોગવાઈ મુજબ રૂ. 50 હજારથી વધુ ખર્ચનાં કામોને ‘ખાસ મરામત’ તરીકે ગણવામાં આવશે. આવા કામો માટે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડના કાર્યપાલક ઇજનેર સાથે પરામર્શ કરીને દરખાસ્ત મોકલવાની રહેશે. નવી SOPથી મરામતનાં કામોમાં ખર્ચ પર નિયંત્રણ, સ્ટોકની યોગ્ય જાળવણી અને વહીવટી પ્રક્રિયામાં વધુ પારદર્શિતા આવવાની અપેક્ષા છે.










