ભ્રષ્ટાચાર અટકાવવા અને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને વેગ આપવાનો હેતુ; ડ્રાફ્ટ અને ફાઈનલ TP સ્કીમની જમીનોને પણ મળી શકે છે રાહત
ગુજરાતમાં ઉદ્યોગો અને વિકાસલક્ષી પ્રોજેક્ટ્સને વેગ આપવા રાજ્ય સરકાર ટાઉન પ્લાનિંગ (TP) વિસ્તારો તથા નોટિફાઈડ ઔદ્યોગિક વિસ્તારોમાં બિનખેતી (NA)ની ફરજિયાત મંજૂરીની જોગવાઈ દૂર કરવા સૈદ્ધાંતિક રીતે તૈયાર થઈ છે. આગામી દિવસોમાં આ અંગે સત્તાવાર જાહેરાત થવાની શક્યતા છે. જાન્યુઆરી-2027માં યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલાં આ નિર્ણયનો અમલ કરવાની સરકારની વિચારણા છે.
સરકારના આ સંભવિત નિર્ણયનો મુખ્ય હેતુ જમીનના ઉપયોગને લગતી વહીવટી પ્રક્રિયા સરળ બનાવવાનો, NA મંજૂરી મેળવવામાં થતો વિલંબ ઘટાડવાનો અને ભ્રષ્ટાચારની ફરિયાદો પર અંકુશ લાવવાનો છે. હાલ NA મંજૂરીની પ્રક્રિયા લાંબી અને જટિલ હોવાના કારણે ઉદ્યોગો સહિતના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં વિલંબ થતો હોવાની રજૂઆતો થઈ રહી છે.
ડ્રાફ્ટ અને ફાઈનલ TP સ્કીમમાં પણ લાગુ કરવાની વિચારણા
સરકારની વિચારણા મુજબ, NA મંજૂરીની ફરજિયાત જોગવાઈ દૂર કરવાનો પ્રસ્તાવ રાજ્યભરની ડ્રાફ્ટ અને ફાઈનલ ટાઉન પ્લાનિંગ સ્કીમ હેઠળ આવતી જમીનોને લાગુ પડી શકે છે. આ નિર્ણય અમલમાં આવે તો ઉદ્યોગો, રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ, હોસ્પિટલો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને મિક્સ્ડ-યુઝ પ્રોજેક્ટ્સને જમીનના ઉપયોગ સંબંધિત પ્રક્રિયામાં રાહત મળી શકે છે.
જમીનના ઉપયોગને લગતી મંજૂરીઓ મેળવવામાં વધુ સમય લાગવાથી બાંધકામ, રોકાણ અને પ્રોજેક્ટ શરૂ કરવાની સમયમર્યાદા પર અસર પડે છે. નવી જોગવાઈથી નિર્ધારિત TP અને નોટિફાઈડ ઔદ્યોગિક વિસ્તારોમાં વહીવટી પ્રક્રિયાનો બોજ ઘટવાની અને પ્રોજેક્ટ્સ સમયસર શરૂ થવાની શક્યતા છે.
ગણોતધારા અને મહેસૂલી વિવાદવાળી જમીન અંગે સ્પષ્ટતા જરૂરી
સૂત્રોના જણાવ્યા અનુસાર, TP વિસ્તારમાં આવેલી જમીન પર ગણોતધારા અથવા અન્ય મહેસૂલી કાયદા હેઠળ વિવાદ હોય તો આવી જમીન અંગે કઈ જોગવાઈ લાગુ પડશે તે મહત્ત્વનો મુદ્દો છે. આવા કિસ્સાઓમાં કાયદાકીય સ્થિતિ અને જમીનના હક સંબંધિત પ્રશ્નો યથાવત્ રહી શકે છે. તેથી સરકાર અંતિમ નિર્ણય લેતાં પહેલાં તમામ પાસાઓની વિચારણા કરી રહી હોવાનું જાણવા મળે છે.
ખેતી હેઠળની જમીન માટે NA મંજૂરી ફરજિયાત રાખવાની વિચારણા છે. ઉપરાંત, NA મંજૂરીની જોગવાઈ દૂર થાય એટલે જમીનના ઉપયોગ સંબંધિત તમામ નિયમો કે અન્ય જરૂરી કાયદાકીય મંજૂરીઓમાંથી આપમેળે મુક્તિ મળી જશે એવું નથી. આ અંગેની ચોક્કસ શરતો સત્તાવાર જાહેરાત બાદ સ્પષ્ટ થશે.
ગામતળ વિસ્તારમાં અગાઉથી જ છૂટછાટ
રાજ્ય સરકારે અગાઉ ગામતળ વિસ્તારમાં આવેલી જમીનો માટે NA મંજૂરીની જરૂરિયાત દૂર કરવાની જોગવાઈ કરી હતી. હવે TP વિસ્તારો અને નોટિફાઈડ ઔદ્યોગિક વિસ્તારોમાં પણ આવી છૂટછાટ આપવાની દિશામાં વિચારણા થઈ રહી છે.
જાન્યુઆરી-2027માં યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલાં આ નિર્ણયની જાહેરાત થાય તો રાજ્યમાં રોકાણ આકર્ષવા અને ઉદ્યોગ સ્થાપનાની પ્રક્રિયા સરળ બનાવવા માટે તેને મહત્ત્વનું પગલું માનવામાં આવશે. જોકે, પ્રસ્તાવનો અંતિમ વ્યાપ, લાગુ પડતી શરતો અને અમલીકરણની વિગતો સરકારની સત્તાવાર જાહેરાત બાદ જ સ્પષ્ટ થશે.










