મોરબીની સિરામિક નગરી હવે સ્પિરિચ્યુઅલ નગરી બનવા તરફ આગળ વધી રહી છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

મચ્છુ નદીના કાંઠે BAPS સ્વામિનારાયણ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો; મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં મંદિરનું લોકાર્પણ

મોરબીમાં મચ્છુ નદીના કાંઠે ઝૂલતા પુલની બાજુમાં નિર્માણ પામેલા ભવ્ય BAPS સ્વામિનારાયણ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં સવારે વિવિધ દેવી-દેવતાઓની મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જ્યારે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મંદિરનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે સંતો-મહંતો, રાજકીય આગેવાનો, વહીવટી અધિકારીઓ અને મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

ધર્મસભાને સંબોધતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સિરામિક ઉદ્યોગને કારણે સિરામિક સિટી તરીકે ઓળખાતું મોરબી હવે સ્પિરિચ્યુઅલ નગરી બનવા તરફ આગળ વધી રહ્યું છે. આ ભવ્ય મંદિરથી મોરબીની શોભા અને ગૌરવમાં વધારો થશે. તેમણે મોરબીને આ મંદિરની ભેટ આપવા બદલ મહંત સ્વામી મહારાજનો આભાર વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, BAPS સ્વામિનારાયણ સંસ્થા સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિના જતન તથા સંવર્ધન દ્વારા તેને વૈશ્વિક સ્તરે ગૌરવ અપાવી રહી છે. નવનિર્મિત મંદિર ધાર્મિક આસ્થા અને સંસ્કૃતિના કેન્દ્ર તરીકે મોરબીની ઓળખમાં નવો ઉમેરો કરશે. મંદિરના લોકાર્પણ બાદ મુખ્યમંત્રીએ ગર્ભગૃહમાં જઈ ભગવાનનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.

વિકસિત ભારત-2047 માટે નાગરિકોને આહ્વાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત-2047’ના સંકલ્પને સાકાર કરવા નાગરિકોને જળસંચય, ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ, પ્રાકૃતિક ખેતી, યોગ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા આહ્વાન કર્યું હતું.

મંદિરના પ્રાણપ્રતિષ્ઠા અને લોકાર્પણ સમારોહમાં કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, પ્રફુલભાઈ પાનસેરિયા, ત્રિકમભાઈ છાંગા, કાંતિલાલ અમૃતિયા, વિધાનસભાના નાયબ દંડક જગદીશભાઈ મકવાણા, મોરબીના મેયર ઉત્તમ સુરાણી, સાંસદ વિનોદભાઈ ચાવડા, કેસરીદેવસિંહ ઝાલા, ચંદુભાઈ સિહોરા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત ધારાસભ્યો, કલેક્ટર સ્વપ્નિલ ખરે, કમિશનર સંગીતા રૈયાણી, એસપી મુકેશ પટેલ સહિતના વહીવટી અધિકારીઓ, આશરે 500 સંતો-મહંતો અને હજારોની સંખ્યામાં હરિભક્તોએ સમારોહમાં ભાગ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai