ગુજકોમાસોલ અને કોલકાતાની ગ્લોસ્ટર કંપની વચ્ચે કરાર; સ્થાનિક રોજગારી સાથે દેશભરમાં સપ્લાય અને નિકાસની તકો વધવાની આશા
અમરેલી જિલ્લાના ઔદ્યોગિક અને આર્થિક વિકાસને નવી દિશા આપનારા મહત્વપૂર્ણ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતનું સૌપ્રથમ અને સૌથી મોટું ખેત પેદાશો ભરવા માટેનાં બારદાનનું ઉત્પાદન કેન્દ્ર અમરેલીમાં સ્થાપવામાં આવશે. આ પ્રોજેક્ટથી જિલ્લામાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓને વેગ મળવાની સાથે સ્થાનિક યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી થવાની અપેક્ષા છે.
ગુજકોમાસોલ અને ગ્લોસ્ટર કંપની વચ્ચે કરાર
ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે, ગુજકોમાસોલ દ્વારા કોલકાતાની પ્રતિષ્ઠિત ગ્લોસ્ટર કંપની સાથે આ પ્રોજેક્ટ અંગે કરાર કરવામાં આવ્યો છે. અમરેલીમાં ગુજકોમાસોલના હાલના યુનિટની સામે જ આ ઉત્પાદન કેન્દ્ર સ્થાપવાની યોજના છે.
આ કેન્દ્ર શરૂ થયા બાદ ખેત પેદાશોના સંગ્રહ અને પરિવહન માટે ઉપયોગમાં લેવાતાં બારદાનનું ઉત્પાદન અમરેલીમાં જ થઈ શકશે. અત્યાર સુધી કોલકાતા સાથે સંકળાયેલી ઉત્પાદન વ્યવસ્થામાં હવે અમરેલી પણ મહત્વનું કેન્દ્ર બનશે.
દેશભરમાં સપ્લાય અને નિકાસની તકો
દિલીપ સંઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, અમરેલીમાં ઉત્પાદિત બારદાનની દેશના વિવિધ વિસ્તારોમાં સપ્લાય કરવામાં આવશે. સાથે જ ભવિષ્યમાં નિકાસની તકો પણ ઊભી થઈ શકે છે. આ પ્રોજેક્ટથી અમરેલીને ઔદ્યોગિક ક્ષેત્રે નવી ઓળખ મળવાની સાથે વેપાર અને વ્યવસાયની પ્રવૃત્તિઓમાં વધારો થવાની આશા છે.
સ્થાનિક યુવાનોને મળશે રોજગારી
ઉત્પાદન કેન્દ્ર શરૂ થવાથી સીધી રોજગારીની તકો ઊભી થવાની સાથે પરિવહન, વેપાર અને અન્ય આનુષંગિક વ્યવસાયોને પણ પ્રોત્સાહન મળી શકે છે. સ્થાનિક સ્તરે ઉત્પાદન થવાથી બારદાનના વ્યવસાય સાથે જોડાયેલા વિવિધ ક્ષેત્રોને પણ લાભ થવાની શક્યતા છે.
સહકારી ક્ષેત્રના માધ્યમથી અમરેલીના વિકાસમાં આ પ્રોજેક્ટ નવો અધ્યાય ઉમેરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટથી જિલ્લામાં ઔદ્યોગિક રોકાણ અને સ્થાનિક આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળવાની અપેક્ષા છે.
પત્રકાર પરિષદમાં સહકારી આગેવાનો ઉપસ્થિત
આ પ્રોજેક્ટ અંગેની જાહેરાત દરમિયાન યોજાયેલી પત્રકાર પરિષદમાં પૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયા, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા સહિત સહકારી ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.










