ગુજરાતની દરેક ધોરણ 9થી 12ની શાળામાં બનશે ‘સ્કૂલ વેલનેસ ટીમ’

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને આત્મહત્યા નિવારણ માટે સરકારની નવી પહેલ; 100થી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શાળામાં લાયકાતપ્રાપ્ત કાઉન્સેલરની નિમણૂક ફરજિયાત

ગાંધીનગર: વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યની જાળવણી, તણાવ ઘટાડવા અને આત્મહત્યા નિવારણના હેતુથી ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે રાજ્યની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે સંલગ્ન ધોરણ 9થી 12ની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને કલ્યાણ માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવી ફરજિયાત બનશે. આ અંતર્ગત દરેક શાળામાં ‘સ્કૂલ વેલનેસ ટીમ’ની રચના કરવાની રહેશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજા અને શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાના માર્ગદર્શન હેઠળ શિક્ષણ વિભાગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો, 1974માં નવી જોગવાઈ તરીકે વિનિયમ 16(અ) ઉમેર્યો છે. આ સાથે પરિશિષ્ટ-8માં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને આત્મહત્યા નિવારણ માટેની વિગતવાર વ્યવસ્થા નક્કી કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાના આધારે નિર્ણય

શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને આત્મહત્યા નિવારણ અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી 15 બંધનકર્તા માર્ગદર્શિકાઓ અને ચાર નિર્દેશોના અમલને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના કાયદા અને ન્યાય મંત્રાલયે પણ ચુકાદાના અમલ માટે રાજ્યોને સૂચના આપી હતી.

આ ઉપરાંત NCERT દ્વારા તૈયાર કરવામાં આવેલી UMMEED માર્ગદર્શિકાઓને પણ આધારરૂપ બનાવવામાં આવી છે. UMMEEDનો અર્થ Understand, Motivate, Manage, Empathise, Empower અને Develop થાય છે. આ માર્ગદર્શિકાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓની સમસ્યાઓ સમજવા, તેમને પ્રોત્સાહન આપવા, સહાનુભૂતિપૂર્વક મદદ કરવા અને સશક્ત બનાવવાનો છે.

દરેક શાળામાં બનશે ‘સ્કૂલ વેલનેસ ટીમ’

નવી જોગવાઈ મુજબ ધોરણ 9થી 12ની દરેક શાળામાં ફરજિયાત ‘સ્કૂલ વેલનેસ ટીમ’ (SWT)ની રચના કરવાની રહેશે. આ ટીમમાં શાળાના આચાર્ય ટીમ લીડર તરીકે રહેશે, જ્યારે શાળા કાઉન્સેલર અથવા નિયુક્ત શિક્ષક ટીમ કો-ઓર્ડિનેટર તરીકે કામગીરી કરશે.

ટીમમાં ધોરણ 9-10 અને 11-12માંથી એક-એક શિક્ષક, શાળા વ્યવસ્થાપન સમિતિનો એક પ્રતિનિધિ, બંને વિભાગમાંથી એક-એક પીઅર મોનિટર અથવા ‘મનો-મિત્ર’ તથા એક બિનશૈક્ષણિક કર્મચારીનો સમાવેશ થશે. દર વર્ષે શૈક્ષણિક સત્રની શરૂઆતમાં ટીમની રચના કરવાની અને તેની કામગીરીની વાર્ષિક સમીક્ષા કરવાની રહેશે.

100થી વધુ વિદ્યાર્થીઓ હોય તો કાઉન્સેલર ફરજિયાત

100 કે તેથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી શાળાઓમાં બાળ અને કિશોરાવસ્થાના માનસિક સ્વાસ્થ્ય અંગે તાલીમ મેળવેલા ઓછામાં ઓછા એક લાયકાતપ્રાપ્ત કાઉન્સેલર, મનોવૈજ્ઞાનિક અથવા સામાજિક કાર્યકર્તાની નિમણૂક કરવી ફરજિયાત રહેશે.

જ્યારે 100થી ઓછી વિદ્યાર્થી સંખ્યા ધરાવતી શાળાઓએ બાહ્ય માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતો, નજીકના સામુદાયિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, જિલ્લા માનસિક સ્વાસ્થ્ય કાર્યક્રમ અને ‘ટેલી-માનસ’ સેવાઓ સાથે ઔપચારિક રેફરલ વ્યવસ્થા ઊભી કરવાની રહેશે.

શિક્ષકો અને કર્મચારીઓને વર્ષમાં બે વખત તાલીમ

શાળાના તમામ શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓએ દર વર્ષે ઓછામાં ઓછા બે વખત પ્રમાણિત માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતો પાસેથી તાલીમ લેવી ફરજિયાત રહેશે. આ તાલીમમાં માનસિક તણાવનાં સંકેતો ઓળખવા, મનોવૈજ્ઞાનિક પ્રાથમિક સહાય, સ્વ-ક્ષતિના જોખમ સામે યોગ્ય પ્રતિસાદ અને જરૂરિયાત મુજબ નિષ્ણાતો પાસે રેફર કરવાની પ્રક્રિયાનો સમાવેશ થશે.

શાળાઓએ વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ કે અન્ય સમસ્યાઓનાં ચેતવણીરૂપ લક્ષણો ઓળખી શકાય અને સમયસર મદદ મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવાની રહેશે.

માર્ક્સના આધારે વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ નહીં

નવી જોગવાઈમાં શાળાઓમાં સકારાત્મક અને ભેદભાવમુક્ત વાતાવરણ ઊભું કરવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. શાળા સંચાલન વિદ્યાર્થીઓના પરીક્ષાનાં પરિણામો, શૈક્ષણિક દેખાવ કે મેળવેલા ગુણના આધારે વર્ગખંડમાં અથવા વર્ગખંડની બહાર તેમનું વિભાજન કરી શકશે નહીં.

કોઈપણ વિદ્યાર્થીનું શૈક્ષણિક સ્તરના આધારે જાહેરમાં અપમાન કરવું, અન્ય વિદ્યાર્થીઓ સાથે સરખામણી કરવી કે તેને કલંકિત કરવો પણ પ્રતિબંધિત રહેશે. આ વ્યવસ્થાનો હેતુ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ જાળવવા અને અભ્યાસનું દબાણ ઘટાડવાનો છે.

બુલિંગ અને હેરાનગતિ સામે ફરિયાદ વ્યવસ્થા

શાળાઓમાં જાતીય સતામણી, રેગિંગ, બુલિંગ, સાયબર બુલિંગ તેમજ જાતિ, વર્ગ, લિંગ, ધર્મ, ભાષા, સામાજિક-આર્થિક સ્થિતિ કે દિવ્યાંગતાના આધારે થતા ભેદભાવ સામે મજબૂત અને ગોપનીય ફરિયાદ નિવારણ વ્યવસ્થા ઊભી કરવી પડશે. વિદ્યાર્થીઓ સરળતાથી ફરિયાદ કરી શકે અને તેમની સમસ્યાનો યોગ્ય ઉકેલ આવે તે માટે જરૂરી વ્યવસ્થા કરવાની રહેશે.

યોગ, રમતગમત અને કલા પ્રવૃત્તિઓને પ્રોત્સાહન

વિદ્યાર્થીઓનું માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે શાળાઓમાં યોગ, ધ્યાન, કલા, સંગીત, બાગકામ, નૃત્ય અને રમતગમત જેવી પ્રવૃત્તિઓનું નિયમિત આયોજન કરવાનું રહેશે.

આ ઉપરાંત ખેલ મહાકુંભ, ફિનિશિંગ સ્કૂલ, સપ્તધારા, પરીક્ષા પે ચર્ચા, NSS, NCC, સ્કાઉટ-ગાઇડ અને સમાજસેવા જેવી સહશૈક્ષણિક પ્રવૃત્તિઓમાં પણ વિદ્યાર્થીઓની ભાગીદારી વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

‘મનો-મિત્ર’ બનશે વિદ્યાર્થીઓનો ભાવનાત્મક સહારો

UMMEED માર્ગદર્શિકા હેઠળ શાળાઓમાં પીઅર સપોર્ટ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. આ માટે ‘મનો-મિત્ર’ની પસંદગી કરવામાં આવશે, જે વિદ્યાર્થીઓને એકબીજાની સમસ્યાઓ સમજવામાં અને જરૂર પડ્યે યોગ્ય મદદ મેળવવામાં સહયોગ આપશે.

આ ઉપરાંત ચાઇલ્ડ હેલ્પલાઇન અને શાળા વેલનેસ ટીમના સંપર્ક નંબર શાળાની વેબસાઇટ, નોટિસ બોર્ડ, વર્ગખંડ, હોસ્ટેલ અને કાઉન્સેલિંગ રૂમમાં સ્પષ્ટ રીતે દર્શાવવાના રહેશે.

જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં દેખરેખ સમિતિ

આ સમગ્ર વ્યવસ્થાના અસરકારક અમલીકરણ અને દેખરેખ માટે જિલ્લા કલેક્ટર અથવા જિલ્લા મેજિસ્ટ્રેટની અધ્યક્ષતામાં જિલ્લા સ્તરની દેખરેખ સમિતિની રચના કરવામાં આવશે. સમિતિ શાળાઓમાં નિયમોના અમલની સમીક્ષા કરશે, જરૂરી માર્ગદર્શન અને સંકલન પૂરું પાડશે તેમજ ફરિયાદો અને ગંભીર ઘટનાઓ પર નજર રાખશે. જરૂરિયાત મુજબ સુધારાત્મક પગલાં અને ભલામણો પણ કરશે.

આમ, ગુજરાત સરકારની નવી જોગવાઈથી શાળાઓમાં માત્ર શૈક્ષણિક પરિણામો જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય, સુરક્ષા અને ભાવનાત્મક સુખાકારીને પણ મહત્વ આપવામાં આવશે. વિદ્યાર્થીઓ તણાવમુક્ત વાતાવરણમાં અભ્યાસ કરી શકે અને મુશ્કેલીના સમયે સમયસર યોગ્ય મદદ મેળવી શકે તે આ પહેલનો મુખ્ય હેતુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai