કતારગામમાંથી રૂ. 44,230ની કિંમતનો ઘીનો જથ્થો ઝડપાયો; કામરેજમાં ખાંડવાળા દૂધ અને બરફીના નમૂના તપાસ માટે મોકલાયા
સુરત: દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ રોકવા સક્રિય બન્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરી ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવી રહ્યા છે. આ દરમિયાન કતારગામ વિસ્તારમાં ગાયના ઘીના નામે વેચવામાં આવતા શંકાસ્પદ ઘીનો 62 લિટર જથ્થો આરોગ્ય વિભાગે સીઝ કર્યો છે. આ જથ્થાની કિંમત રૂ. 44,230 હોવાનું જાણવા મળ્યું છે.
કતારગામમાં 62 લિટર શંકાસ્પદ ઘી સીઝ
મળતી માહિતી મુજબ, તહેવારોની સિઝનમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળની શક્યતાને ધ્યાનમાં રાખીને સુરત આરોગ્ય વિભાગ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં તપાસ કરવામાં આવી રહી છે. આ અંતર્ગત કતારગામ વિસ્તારમાં ‘વિદૂર ગાયનું ઘી’ના નમૂના લેવામાં આવ્યા હતા.
આ નમૂનાઓને વધુ તપાસ માટે મહાનગરપાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. સાથે જ ગાયના ઘીના નામે વેચાતો 62 લિટર શંકાસ્પદ ઘીનો જથ્થો, જેની કિંમત રૂ. 44,230 થાય છે, તેને સીઝ કરવામાં આવ્યો છે. લેબોરેટરીના રિપોર્ટ બાદ ઘીની ગુણવત્તા અને તેમાં ભેળસેળ છે કે નહીં તે અંગે સ્પષ્ટતા થશે.
કામરેજમાં ખાંડવાળા દૂધ અને બરફીના નમૂના
બીજી તરફ, આરોગ્ય વિભાગે કામરેજ વિસ્તારમાં પણ તપાસ હાથ ધરી હતી. અહીંથી ખાંડવાળા દૂધ અને બરફીના નમૂના લેવામાં આવ્યા છે. આ નમૂનાઓ પણ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે.
લેબોરેટરી રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી
હાલ કતારગામ અને કામરેજમાંથી લેવામાં આવેલા ખાદ્ય પદાર્થોના નમૂનાઓના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. રિપોર્ટમાં ગુણવત્તા અંગે કોઈ ખામી કે ભેળસેળ સામે આવશે તો આરોગ્ય વિભાગ દ્વારા સંબંધિત વેપારીઓ સામે નિયમ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
દિવાળીના તહેવાર દરમિયાન મીઠાઈ, દૂધની બનાવટો અને ઘી સહિતના ખાદ્ય પદાર્થોની માંગ વધતી હોવાથી આરોગ્ય વિભાગની આ તપાસ મહત્વપૂર્ણ બની છે. કાર્યવાહીથી ખાદ્ય પદાર્થોના વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.










