864 બોટલ દારૂ સહિત રૂ. 5.12 લાખનો મુદ્દામાલ કબજે; રાજકોટ અને બોટાદના બે શખસનાં નામ ખુલતાં પોલીસની શોધખોળ
જસદણ: રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના સમઢીયાળા ગામની સીમમાં થોરીયાળી ગામ તરફ જતા રસ્તા પરથી દારૂ ભરેલી ઇકો કાર સાથે બે શખસોને રૂરલ એલસીબીની ટીમે ઝડપી લીધા છે. પોલીસે કારમાંથી 864 બોટલ દારૂનો જથ્થો મળી આવતાં દારૂ, મોબાઇલ ફોન અને કાર સહિત કુલ રૂ. 5,12,240નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દારૂની હેરાફેરીના પ્રકરણમાં રાજકોટ અને બોટાદના બે શખસનાં નામ સામે આવતાં પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે.
પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ કાર અટકાવી
પોલીસના જણાવ્યા મુજબ, રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરની સૂચનાથી જિલ્લામાં દારૂ અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અંતર્ગત એલસીબી પીઆઇ જે.પી. રાવના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી.
દરમિયાન મળેલી બાતમીના આધારે વીંછિયા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સમઢીયાળા ગામથી થોરીયાળી ગામે જવાના રસ્તા પર ચોકડી પાસે શંકાસ્પદ ઇકો કારને અટકાવવામાં આવી હતી. કારની તલાશી લેતાં અંદરથી રૂ. 1.62 લાખની કિંમતની 864 બોટલ દારૂ મળી આવી હતી.
માંગરોળના યુવક અને જૂનાગઢની મહિલાની અટકાયત
પોલીસે કારમાં સવાર બંનેની અટકાયત કરી પૂછપરછ કરતાં તેમની ઓળખ પ્રદીપ હરિદાસ ગોંડલીયા (ઉંમર 25, રહે. સરસાલી, તાલુકો માંગરોળ) અને જ્યોતિ અમરદાસ મેસવાણિયા (ઉંમર 45, રહે. જૂનાગઢ) તરીકે થઈ હતી.
પોલીસે દારૂનો જથ્થો, મોબાઇલ ફોન અને ઇકો કાર સહિત કુલ રૂ. 5,12,240નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજકોટ અને બોટાદના બે શખસની શોધખોળ
ઝડપાયેલા બંનેની પૂછપરછ દરમિયાન દારૂની હેરાફેરીમાં રાજકોટના હુડકો ચોકડી પાસે રહેતા અર્જુનસિંહ કરણસિંહ ઝાલા અને બોટાદમાં રહેતા અશ્વિન બાવળીયાનાં નામ સામે આવ્યાં હતાં. આથી પોલીસે બંને શખસને ઝડપી પાડવા માટે શોધખોળ શરૂ કરી છે. દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે સહિતની વધુ વિગતો મેળવવા તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.










