રેકોર્ડમાં OBC જ્ઞાતિ હોવા છતાં ST પ્રમાણપત્ર મેળવ્યાનો દાવો; તટસ્થ તપાસની માંગ
દાહોદ: દાહોદ જિલ્લાના સીંગવડ અને સંજેલી તાલુકામાં બોગસ ST પ્રમાણપત્રોના આધારે સરકારી લાભ મેળવવાના આક્ષેપો સામે આવ્યા છે. આ મામલે સરકારી નોકરી, મેડિકલ પ્રવેશ, સરપંચ પદ અને પેટ્રોલ પંપ સહિતના લાભ મેળવવામાં આવ્યા હોવાના આક્ષેપો સાથે તટસ્થ તપાસની માંગ ઉઠી છે.
આક્ષેપ મુજબ, કમલેશકુમાર રામસિંગભાઈ રાવળ અને તેમના પરિવારની મૂળ જ્ઞાતિ હિંદુ રાવળ (OBC/બક્ષીપંચ) હોવા છતાં ST પ્રમાણપત્ર મેળવવામાં આવ્યા હતા. શાળા તથા મહેસૂલી રેકોર્ડમાં પણ પરિવારની જ્ઞાતિ OBC તરીકે નોંધાયેલી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
આ પ્રમાણપત્રોના આધારે પરિવારના કેટલાક સભ્યોએ સરકારી નોકરીઓ અને અન્ય અનામત લાભો મેળવ્યા હોવાના આક્ષેપ છે. જેમાં એક સભ્ય પોલીસ કોન્સ્ટેબલ અને અન્ય સભ્ય તલાટી કમ મંત્રી તરીકે નોકરીમાં હોવાનો, જ્યારે અન્ય એક સભ્ય સંજેલી પંચાયતના સરપંચ બન્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત ST ક્વોટા હેઠળ પેટ્રોલ પંપ અને મેડિકલ પ્રવેશ મેળવવામાં આવ્યો હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. જેના કારણે સાચા આદિવાસી લાભાર્થીઓના હક્કો પર અસર થઈ હોવાનો સ્થાનિક સમાજનો આક્ષેપ છે.
મામલે સંજેલી તાલુકાની શાળાના રેકોર્ડ તેમજ વિવિધ મહેસૂલી નોંધોમાં પરિવારની જ્ઞાતિ OBC તરીકે દર્શાવાતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ દસ્તાવેજોના આધારે આદિજાતિ વિકાસ વિભાગ અને ગુજરાત તકેદારી આયોગ સમક્ષ તટસ્થ તપાસ અને પ્રમાણપત્રોની ચકાસણીની માંગ કરવામાં આવી છે.
સ્થાનિક આદિવાસી સમાજે સમગ્ર મામલે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ બોગસ પ્રમાણપત્રો સાચા ઠરે તો તેને રદ કરી અત્યાર સુધી મેળવેલા લાભોની પણ તપાસ કરવાની માંગ ઉઠી છે.










