કાગળનો પાસ સાથે રાખવાની જરૂર નહીં; મોબાઈલમાં ડિજિટલ પાસ બતાવી GSRTC બસમાં મફત મુસાફરી
ગાંધીનગર: ગુજરાત સરકારે દિવ્યાંગ નાગરિકો માટેની PHID બસ પાસ સેવા DigiLocker સાથે લિંક કરીને ડિજિટલ ગવર્નન્સ ક્ષેત્રે મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. આ નવતર પહેલ બદલ કેન્દ્ર સરકારે ગુજરાતને ‘Excellence in Citizen-Centric Digital Governance’ રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કર્યું છે.
નવી વ્યવસ્થા હેઠળ દિવ્યાંગ લાભાર્થીઓએ મુસાફરી દરમિયાન હવે ફિઝિકલ પાસ સાથે રાખવાની જરૂર રહેશે નહીં. બસ કંડક્ટરને મોબાઈલમાં DigiLocker પર ઉપલબ્ધ ડિજિટલ પાસ બતાવીને તેઓ GSRTCની બસોમાં મુસાફરી કરી શકશે.
સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યમાં અત્યાર સુધીમાં 4.42 લાખથી વધુ દિવ્યાંગ બસ પાસ ઈશ્યૂ કરવામાં આવ્યા છે. આ પાસના આધારે દિવ્યાંગ લાભાર્થીઓને GSRTCની બસોમાં વિનામૂલ્યે મુસાફરીનો લાભ મળે છે.
DigiLocker સાથે પાસ લિંક થવાથી પાસ ખોવાઈ જવા કે નુકસાન થવાની ચિંતા દૂર થશે. સાથે જ પેપરલેસ અને નાગરિક-કેન્દ્રિત ડિજિટલ શાસનને પ્રોત્સાહન મળશે.
મે 2026માં યોજાયેલી રાષ્ટ્રીય વર્કશોપ દરમિયાન ગુજરાતના આ ડિજિટલ મોડેલની નોંધ લઈ કેન્દ્ર સરકાર દ્વારા તેને રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરવામાં આવ્યું હતું.










