3 ફાયર ફાઈટર સાથે 20થી વધુ જવાનો દોડી આવ્યા; સદનસીબે જાનહાનિ ટળી
ગાંધીનગર: નવા સચિવાલયના બ્લોક નંબર-9માં વહેલી સવારે આગ લાગતાં ભારે અફરાતફરી મચી હતી. શરૂઆતમાં ઉપરના માળેથી ધુમાડો નીકળતો હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ તપાસમાં આગ બેઝમેન્ટમાં લાગી હોવાનું સામે આવ્યું હતું.
ઘટનાની જાણ થતાં 3 ફાયર ફાઈટર અને 20થી વધુ ફાયર જવાનો તાત્કાલિક સ્થળે પહોંચ્યા હતા. બેઝમેન્ટમાં ગાઢ ધુમાડો ભરાઈ જતાં બચાવ કામગીરી મુશ્કેલ બની હતી.
ફાયર જવાનોએ ઓક્સિજન સિલિન્ડર અને સ્પેશિયલ માસ્કની મદદથી અંદર પ્રવેશ કરી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ અન્ય માળ અને બ્લોક સુધી ફેલાય તે પહેલાં જ તેને બુઝાવી દેવામાં આવી હતી.
આગ બાદ કૂલિંગ કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, જોકે શોર્ટ સર્કિટની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.










