વીર ભગતસિંહ શોપિંગ સેન્ટરમાં ગેરકાયદે દબાણના આક્ષેપો વચ્ચે વેપારીઓનો વિરોધ, અધિકારીઓની કામગીરી સામે સવાલો
રાજકોટ: કોઠારીયા રોડ પર આવેલા વીર ભગતસિંહ શોપિંગ સેન્ટરમાં દબાણના મુદ્દે રઘુવંશી સમાજના વેપારીઓ અને રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા વચ્ચે વિવાદ વકર્યો છે. ગાત્રાળ હોટલના સંચાલકો દ્વારા પતરા, ચાનો થડો, કૂલર સહિતની વસ્તુઓ ગોઠવી દબાણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો વેપારીઓ દ્વારા કરવામાં આવ્યા છે.
વેપારીઓના જણાવ્યા મુજબ અગાઉ પણ દબાણ અંગે ભક્તિનગર પોલીસ મથકના PIની દરમિયાનગીરીથી મામલો થાળે પાડવામાં આવ્યો હતો. જોકે, 20 ઓગસ્ટે ફરી દબાણ કરવામાં આવતા વિવાદ ઉગ્ર બન્યો હોવાનો વેપારીઓનો દાવો છે.
દબાણની તપાસ માટે પહોંચેલા મનપાના અધિકારીઓની કામગીરી સામે પણ વેપારીઓએ સવાલો ઉઠાવ્યા છે. વેપારીઓનો આક્ષેપ છે કે દબાણ હટાવ શાખાના અધિકારી સોરઠીયા દ્વારા તપાસ દરમિયાન કથિત રીતે પક્ષપાતી વલણ અપનાવવામાં આવ્યું હતું. રઘુવંશી સમાજના વેપારીનું બોર્ડ હટાવવામાં આવ્યું, જ્યારે હોટલ સંચાલકોને માત્ર સામાન અંદર ખસેડવા જણાવાયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ મામલે અધિકારી બારૈયા સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી હતી. જોકે, યોગ્ય પ્રતિસાદ ન મળ્યો હોવાનો વેપારીઓનો આક્ષેપ છે. જેના પગલે દબાણ હટાવવાની કામગીરીમાં સમાન માપદંડ કેમ ન અપનાવવામાં આવ્યા? તેવો સવાલ ઉઠ્યો છે.
સમગ્ર મામલે રઘુવંશી સમાજના વેપારીઓ એકત્ર થઈ રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવી શક્તિ પ્રદર્શન કર્યું હતું. વેપારીઓએ મેયરને રજૂઆત કરી સમગ્ર દબાણની નિષ્પક્ષ તપાસ કરી તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરી હતી.
જોકે, અધિકારીઓ સામે વેપારીઓ દ્વારા કરવામાં આવેલા પક્ષપાત અને ભ્રષ્ટ નીતિના આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. હવે મનપા તંત્ર સમગ્ર મામલે શું તપાસ કરે છે અને દબાણ સામે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે.










